કેન્દ્રની ભાજપ સરકારે બોલાવેલા નવા સંસદ ભવનના વિશેષ સત્રની શરૂઆત આગામી 18 સપ્ટેમ્બરથી શરુ થવાની છે અને આ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. આ બધા વચ્ચે દેશના લોકોને એક પ્રશ્ન ચોક્કસ થઇ રહ્યો હશે કે આ સત્ર સંસદ ભવનની જૂની ઈમારતમાં યોજાશે કે નવા નક્કોર ભવનમાં? ત્યારે હવે આ આતુરતાનો અંત લાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત એમ છે કે કેન્દ્રનું આગામી વિશેષ સત્ર નવા અને જૂના તેમ બંને ભવનમાં યોજાશે. સત્રની શરૂઆત 18 સપ્ટેમ્બરે જૂના બિલ્ડીંગથી થશે. પણ ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે સત્ર શરુ થયાના બીજા દિવસે (19 સપ્ટેમ્બર) આ સત્રને દેશના નવા સંસદ ભવનના શ્રી ગણેશ કરીને ત્યાં સ્થાનાંતરિત કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે દેશના નવા સંસદ ભવનના શ્રી ગણેશ કરવામાં આવનાર છે. નવા ભવનનું ઉદ્ઘાટન તો ગત મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કામકાજ નહોતું કરવામાં આવતું. છેલ્લે યોજાયેલું ચોમાસું સત્ર પણ જૂના ભવનમાં યોજવામાં આવ્યું હતું. પરંતુ આગામી 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના રોજ કેન્દ્ર સરકારના વિશેષ સત્રના બીજા દિવસે નવા સંસદ ભવનમાં કામકાજ શરુ કરી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 19 સપ્ટેમ્બર બાદ સંસદના તમામ કામકાજ નવા ભવનથી જ કરવામાં આવશે. અને તેની શરૂઆત કેન્દ્રની ભાજપ સરકારે બોલાવેલા વિશેષ સત્રના બીજા દિવસથી કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સરકારે બોલાવ્યું છે વિશેષ સત્ર
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર આગામી 18 સપ્ટેમ્બર, 2023થી 22 સપ્ટેમ્બર, 2023 સુધી યોજાશે. આ સત્રનો એજન્ડા શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ આ વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લાવી રહી છે, તો ક્યાંક UCC (યુનિફોર્મ સિવિલ કૉડ) કે ‘મહિલા અનામત’ સબંધિત બિલ આવશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
મોદી સરકારે આ સત્રના એજન્ડાને લઈને કોઈ ફોડ પાડ્યો નથી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને માત્ર આ સત્રના આયોજનની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર સાથે મળશે અને આ દરમિયાન પાંચ બેઠકો યોજાશે. સંસદનું વિશેષ સત્ર એટલે શું? તે જાણવા આપ આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
ક્યારે ક્યારે બોલાવાયુ સંસદનું વિશેષ સત્ર
પ્રથમ સત્ર | 1977 માં, તમિલનાડુ અને નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવા માટે ફેબ્રુઆરીમાં બે દિવસ માટે રાજ્યસભાનું વિશેષ સત્ર યોજાયું હતું. |
બીજું સત્ર | 991માં, હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપવા માટે જૂનમાં બે દિવસનું વિશેષ સત્ર (158મું સત્ર) યોજાયું હતું. |
ત્રીજું સત્ર | 992માં ભારત છોડો આંદોલનની 50મી વર્ષગાંઠની યાદમાં સંસદનું વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું. |
ચોથું સત્ર | ભારતની આઝાદીની સુવર્ણ જયંતિની ઉજવણી માટે 26 સપ્ટેમ્બર 1997ના રોજ સંસદનું વિશેષ સત્ર યોજાવમાં આવ્યું હતું. |
પાંચમું સત્ર | 2008માં ડાબેરી સંગઠનોએ મનમોહન સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. જે બાદ જુલાઈમાં સરકારે બહુમત સાબિત કરવા માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. |
છઠ્ઠું સત્ર | 26 નવેમ્બર 2015ના રોજ, ડૉ. બી.આર. આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી માટે મોદી સરકાર દ્વારા એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. |
સાતમું સત્ર | ભાજપે GST માં સુધારો કરવા માટે મધ્યરાત્રિએ સંસદના વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. |