અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં 113 યુગલોના સમૂહ લગ્ન માટેની જાહેરાત કરી દરેક યુગલ પાસેથી બન્ને પક્ષ પાસેથી 11 હજાર 11 હજાર તેમ ટોટલ 22 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા બાદ લગ્નના દિવસે જ આયોજક દ્વારા સમૂહ લગ્નનું આયોજન ન કરવામાં આવતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લગ્નના બંને જોડા પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યાં જ લગ્નના તાંતણે બંધાવનાર વરરાજા અને કન્યા ના પરિવારજનો જ્યારે વસ્ત્રાલ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં લગ્ન મંડપ કે કંઈ જ સમૂહ લગ્નની તૈયારીઓ જોવા મળી નહોતી લગ્નની ખરીદી, મહેંદી કપડા તેમજ સમગ્ર વિધિ કર્યા બાદ લગ્ન ન હોવાનું જાણવા મળતા 300થી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો અને સંચાલક પ્રકાશ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરતું પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું જેથી ગુજરાત રાજ્યના વિવિધ શહેરો માંથી અનેક લોકોએ આ સમૂહ લગ્ન માટે પેમ્પ્લેટમાં રહેલા મોબાઈલ નંબર પર પ્રકાશભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો. ઓઢવ વિસ્તારમાં રહેતા પંકજભાઈ વાઘેલા પણ ફોન પર વાત કરી અમરાઈવાડી ખાતે આવેલી ઓફિસે પહોંચ્યા હતા. જેથી તેઓને 27 મે ના રોજ યોજાના સમૂહ લગ્નમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું જેના પેટે ₹22,000 માંગ્યા હતા.
જેથી પંકજભાઈએ પણ પૈસા ભર્યા હતા. જેની રજીસ્ટ્રેશન પહોંચ પણ આપવામાં આવી હતી જ્યારે 26 મેના રોજ વસ્ત્રાલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં તપાસ કરવામાં આવી તો ત્યાં કોઈપણ પ્રકારના સમૂહ લગ્નના આયોજનની તૈયારી કરવામાં આવેલી નહોતી. પંકજભાઈ ની સાથે અન્ય લોકો પણ અમરાઈવાડી ખાતે ઓફિસે પહોંચ્યા હતા તો ઓફિસ બંધ હતી અને પ્રકાશભાઈનો મોબાઇલ નંબર પણ બંધ હતો. 113 જેટલા વર- કન્યા પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનો સાથે છેતરપિંડી થઈ હતી ત્યાર બાદ બધા પરિવાર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા
સમૂહ લગ્ન ના આયોજન કરી કરિયાવર આપવાના નામે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રકાશભાઈ પરમાર દ્વારા લોકો પાસેથી 22 હજાર રૂપિયા પેટે કુલ 24 લાખથી વધુની રકમ ઉઘરાવી અને આયોજક દ્વારા છેતરપિંડી કરવામાં આવતા આ મામલે અમરાઈવાડી પોલીસે પ્રકાશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.