અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિયોએ જોરદાર હોબાળો કરીને ન માત્ર ખુરશીઓ ઉછાળી હતી પરંતુ સાથે જ પાટીલને કાળા વાવટા પણ બતાવ્યા હતા.
આજે ભાજપનો સ્થાપના દિન છે ત્યારે સી.આર. પાટીલ ખંભાળિયામાં પક્ષના કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવેલા હતા, પરંતુ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી માગ સાથે ટોળાંએ આ કાર્યક્રમમાં સી.આર. પાટીલનો વિરોધ કર્યો હતો. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે એક કાર્યક્રમમાં કરેલા નિવેદન બાદ તેમની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી ક્ષત્રિયો માગ કરી રહ્યા છે. જોકે, પોતાને તમામ સમાજનો ટેકો હોવાના દાવા સાથે રૂપાલાએ શુક્રવારથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો.
એક તરફ ક્ષત્રિયો રૂપાલાને પડતા મૂકવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપે રૂપાલા ક્ષત્રિયોની માફી માગી ચૂક્યા છે તેવી વાત કરીને સમગ્ર મામલાને ઠંડો પાડવાના અનેક પ્રયાસ કર્યા છે, પરંતુ ક્ષત્રિયો હજુય પોતાની માગણી પર અડગ છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ કિરપાલસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે આ લડાઈ ક્ષત્રિયોના સ્વમાનની છે.
ક્ષત્રિય સમાજની બહેનોએ પણ જો રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાઈ તો પોતે કમલમ પહોંચીને જોહર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી, જોહર કરવા અમદાવાદ પહોંચેલી મહિલાઓને રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા મળવા માટે ગયા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા બાદ મામલો ગરમાતા તેમની અટકાયત કરવામાં આવી હતી. ક્ષત્રિયોએ એવી પણ ચિમકી આપી છે કે જો રૂપાલાએ દાવેદારી પાછી ના ખેંચી તો સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધ શરૂ કરવામાં આવશે.
રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલા વિવાદને શાંત કરવા માટે સી.આર. પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે રૂપાલા ત્રણ વાર માફી માગી ચૂક્યા છે અને હવે ક્ષત્રિયો પણ મોટું મન રાખીને તેમને માફ કરી દે. પાટીલે ત્યારે પોતે પણ હાથ જોડીને ક્ષત્રિયોની માફી માગી હતી, પરંતુ ત્યારબાદ પણ આ મામલો શાંત નથી પડ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે મંગળવારે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી હતી, તે પહેલા સોમવારે દિલ્હીમાં સીએમ અને પીએમ મોદી વચ્ચે પણ મુલાકાત થઈ હતી.
ભાજપના ક્ષત્રિય નેતાઓ આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરિટસિંહ રાણા, બળવંત સિંહ રાજપૂત તેમજ જયદ્રથસિંહ પરમાર અને હાલમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા કેસરીદેવસિંહ ઝાલા પણ ક્ષત્રિય આગેવાનો સાથે મંગળવારે થયેલી મિટિંગમાં હાજર રહ્યા હતા. જોકે, સી.આર. પાટીલે માફી માગ્યા બાદ કરણી સેનાની મહિલા પાંખના પ્રમુખ પદ્મિનીબા વાળાએ એવું કહ્યું હતું કે તેમને ભાજપ કે પછી તેના નેતાઓ સામે કોઈ વાંધો નથી, પરંતુ રૂપાલાનું નામ પાછું નહીં ખેંચાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.