અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ પર જો તમે બેફામ ડ્રાઈવ કરતાં હોય તો ચેતી જજો કારણ કે હવે સ્પીડ ગન દ્રારા તમારી સ્પીડ પર કંટ્રોલ થશે. સ્પીડ ગનની મદદથી રિવરફ્રન્ટ પર રોજનાં 90 થી 100 વાહનો સ્પીડમાં જતા જોના મળે છે જેમનાં ઘરે મેમો મોકલવામાં આવે છે. વાહનોની સ્પીડ પર કંટ્રોલ કરવા માટે અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્રારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે જેથી રિવરફ્રન્ટ પરથી પસાર થતાં વાહનોની સ્પીડ કંટ્રોલમાં રહે. છેલ્લાં 1 મહિનામાં કુલ 1000થી વધારે લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ પણ 2000 રુપિયા છે જેથી અહીંથી પસાર થતાં લોકો ફુડ સ્પીડમાં જતાં 100 વાર વિચાર કરે છે. સ્પીડ ગનમાં 70થી વધુ સ્પીડ થાય કે તરત જ તેનો ફોટો પડી જાય અને આ ફોટો સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે.
આ અંગે ટ્રાફિક હેડ કોનસ્ટેબલ અખિલેશ તિવારીએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ લોકો રાતના સમયે સ્ટંટ કરે છે અને ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતો થાય છે. મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસક કર્મચારીઓને તૈનાત કરવા શક્ય હોતા નથી. સ્પીડ રડાર ગનનો ફાયદો એ છે કે કોઈ પણ કર્મચારી તરત જ ઇ-ચલણ જારી કરી શકે છે. જો કે દિવસના સૌથી વધારે લોકો ઓવરટેક કરતાં અને સ્પીડમાં વાહનો ચલાવે છે તે માટે અમે સ્પીડગનથી કેપ્ચર કરીએ છીએ જેનાં દ્રારાના રોજનાં 90 થી 100 કેસ પકડાય છે
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ અમદાવાદ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. અહીં ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે. જેના કારણે ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવે છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં ખૂબ વધુ ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. 3 લાખથી વધુ ખર્ચે વસાવેલાં અદ્યતન મશીન એટલે કે સ્પીડગન સાથે ટ્રાફિક પોલીસ કામગીરી કરતાં જોવા મળે છે. જેમાં રિવરફ્રન્ટ પર નિયત કરાયેલી 70 કરતા વધુ ગતિ મર્યાદા હોય તેવા વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યો છે. સ્પીડ ગનની કિંમત ત્રણ લાખ રુપિયા છે, આવા અનેક મશીન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે અને શહેરમાં વધુ ઝડપથી વાહન હંકારતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય અને અકસ્માત નિવારી શકાય તે પ્રકારે પણ હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.