શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં ફરી એકવાર સક્રિય થયા છે. પ્રજા શક્તિ ડેમોક્રેટિક નામ સાથે શંકરસિંહે નવા પક્ષની જાહેરાત કરી. આ સાથે શંકરસિંહ બાપુ 84 વર્ષની વયે ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે.
નવા પક્ષની જાહેરાત બાદ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યુ કે મે ભાજપ ત્યારે છોડી જ્યારે તેનો સૂર્ય મધ્યાહને હતો. કોંગ્રેસ છોડી ત્યારે પણ સરકાર બનવાની શક્યાતાઓ હતી. ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવી માત્ર માન્યતા છે. દિલ્લીમાં 15 વર્ષ કોંગ્રેસનું શાસન હતું છતાં કેજરીવાલનો ઉદય થયો. શંકરસિંહ વાઘેલાએ તેમના નિવાસસ્થાન વસંત વગડોમાં દિવાળી પછી યોજાયેલા સ્નેહ મિલનમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાની રજૂઆત કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી. વર્ષ 2022માં તેમનો પુત્ર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યો હતો, પરંતુ હારી ગયો હતો.

